ન્યુઝ

2%ની લોન બધાને મળશે? પેલા જાણી લો સચ્ચાઈ…આ ખુલાસા વિશે પણ જાણી લેજો

લોકડાઉનને કારણે કામધંધા લાંબા સમય સુધી બંધ રહયા હોવાના કારણે નાના વેપારીઓને ઘણું નુકશાન થયું છે અને એટલે જ ગુજરાત સરકારે નાના વેપારીઓ, કારીગરો, રેકડીવાળા અને વ્યવસાયકારીઓ આગળ વધે તે માટે આત્મનિર્ભર ગુજરાત સહાય યોજનાની જાહેરાત કરી હતી. જેમાં સરકાર દ્વારા સહકારી બેંકો સાથે મળીને તેમને 1 લાખ રુપિયા સુધીની લોન માત્ર બે ટકા વ્યાજ દરે આપવા માટેની યોજના જાહેર કરાઈ હતી.

આ યોજનાનો લાભ નાના વેપારીઓ, કારીગરો, રેકડીવાળા અને વ્યવસાયકારીઓને મળશે, જેમાં 10 લાખથી વધુ લોકોને તેનો લાભ મળશે. આ યોજનામાં વ્યક્તિને એક લાખ રૂપિયાની લોન આપશે. આ લોન માત્ર બે ટકા વ્યાજે અને ત્રણ વર્ષના સમયગાળા માટે આપવામાં આવશે. જેના માટેના ફોર્મનું વિતરણ ગુરુવારથી શરુ થયું છે. જેને લેવા માટે લોકોની લાઈનો લાગી હતી.

Image Source

સરકારે નક્કી કર્યું છે કે એક લાખ રૂપિયાની લોન માત્ર બે ટકાના દરે અપાશે. કોઓપરેટીવ સોસાયટીઓ અને સહકારી બેન્કો તેમજ ક્રેડીટ સોસાયટીઓ સાથે મળીને આ યોજના બનાવી છે. રાજ્યની 1000 જેટલી જિલ્લા સહકારી બેન્કની શાખાઓ, 1,400 અર્બન કો-ઓપરેટીવ બેન્કો, 7,000 ક્રેડિટ કો-ઓપરેટીવ સોસાયટીઓ સહિત કુલ 9000 જગ્યાએથી ફોર્મ મળશે. પરંતુ આ લોનની સહાય બધાને જ નહિ, એ માટે કેટલાક નિયમો છે, જેનો ખુલાસો કરવામાં આવ્યો હતો.

માહિતી અનુસાર, લોન પરત કરવાની ક્ષમતા ચકાસીને જ ગ્રાહકને લોન આપવી કે કેમ તે જે તે બેંક કે ક્રેડીટ સોસાયટી નક્કી કરશે. લોન માટે એપ્લાય કરનારની ક્ષમતા અનુસાર તેને 25 હજાર રુપિયાથી લઈને 1 લાખ સુધીની લોન આપશે, પરંતુ લોનની રકમ બેંક નક્કી કરશે. લોન લેવા ઇચ્છતા ગ્રાહકે બે જામીનદાર આપવા રહેશે. જો હપ્તા નિયમિત ના ભરાયા તો ભવિષ્યમાં અન્ય કોઈ બેંક કે ક્રેડિટ સોસાયટીમાંથી લોન નહીં મળે. આ ઉપરાંત, લોન લેનાર જો હપ્તા ભરવામાં નિષ્ફળ જાય તો જામીનદાર પાસેથી પણ બેંક વ્યાજ સહિતની પૂરી રકમ વસૂલી શકશે.

Image Source

1 લાખની લોન માટે માસિક હપ્તો અંદાજે 3500, 75 હજારની લોન માટે માસિક હપ્તો અંદાજે 2625, 50 હજારની લોન માટે માસિક હપ્તો અંદાજે 1750, 25 હજારની લોન માટે માસિક હપ્તો અંદાજે 875 રૂપિયા રહેશે. લોન ધારકોએ 30 માસમાં લોન પુર્ણ કરવાની રહેશે, લોન મંજુર થયા બાદ 1 થી 10 તારીખ સુધીમાં હપ્તો ભરવાનો રહેશે. આ યોજના અંતર્ગત લોન મેળવનારને બે ટકા વ્યાજ જ ચૂકવવાનું રહેશે, જ્યારે બાકીનું છ ટકા વ્યાજ લાભાર્થી વતી સરકાર બેંકને ચૂકવશે.

આ યોજનાના ફોર્મમાં લોન લેવા ઇચ્છતા ગ્રાહક પાસેથી આધારકાર્ડ, કુંટુંબના તમામ સભ્યોના આધારકાર્ડ, રાશનકાર્ડ, પાનકાર્ડ, વ્યવસાયનું સર્ટિફિકેટ, અરજકર્તાના ફોટા, જામીન આપનારાના ફોટા, આવકનું પ્રમાણપત્ર, ગેરંટરના મકાન માલિક હોવાના પુરાવા, એડવાન્સ ચેક, શ્રમયોગી નંબર જેટલા પુરાવા આપવા પડશે.

Author: thegujjurocks.in