લાઈફ સ્ટાઈલ

દીકરાની ફી પરવાના પૈસા ન હતા તો પિતા મુંબઈ ગયા બાળપણના મિત્ર પાસે માંગવા અને

એક નાનકડો પરિવાર હતો. પતિ, પત્ની અને એક દીકરો. પરિવારની આર્થિક પરિસ્થિતિ ખુબ સામાન્ય હતી. પતિ મજૂરીકામ કરે અને પત્ની બીજાના ઘરના કામ કરવા માટે જાય. જે કંઈ થોડીઘણી આવક થાય એમાંથી પરિવારનું માંડમાંડ ગુજરાન ચાલે. ટૂંકી આવક હોવા છતાં દીકરાના અભ્યાસમાં કોઈ પ્રકારની કચાસ રાખે નહિ.

દીકરાએ દસમા ધોરણની પરિક્ષા પાસ કરી. ખુબ સારા % લાવ્યો અને સાયન્સમાં એને રસ હતો એટલે સારી સ્કૂલમાં એડમિશન અપાવવાનું નક્કી કર્યું. સ્કૂલની ફીની વિગત જાણીને પિતાના હોશકોશ ઉડી ગયા. આટલી મોટી ફી કેમ કરીને ભરાશે ? પણ પિતા દીકરાને મોટો સાહેબ જોવા માંગતા હતા એટલે ગમે તેમ કરીને દીકરાને ભણાવવો જ છે એવું એના પિતાએ નક્કી કર્યું.

બીજા દિવસે એ ભાઈએ એમના પત્ની અને પુત્રને કહ્યું, ” મારો બાળપણનો ભાઈબંધ મુંબઈમાં રહે છે. ખુબ સારો ધંધો કરે છે. હું એની પાસે જઈ આવું, મને ખાતરી છે કે એ ચોક્કસ મદદ કરશે.” પિતા મુંબઇ જવા રવાના થયા. દીકરાને થયું પપ્પા ખોટા મુંબઇ જાય છે. આટલી મોટી રકમની મદદ આજના યુગમાં કોઈ ના કરે. એકાદ અઠવાડિયામાં જ એના પિતા પાછા આવ્યા અને સાથે ખુબ મોટી રકમ પણ લાવ્યા. છોકરાની ફી ભરાઈ ગઈ અને અભ્યાસ આગળ વધ્યો.

થોડા દિવસ પછી એકવખત દીકરો ઘરે બેઠો બેઠો હોમવર્ક કરતો હતો. ટપાલી આવ્યો અને એક કવર આપી ગયો. છોકરાની મમ્મીએ કહ્યું, ” બેટા, જરા જો તો આ કોનો કાગળ છે ? આજ દિન સુધી આપણને કોઈએ કાગળ લખ્યો નથી. ગરીબના થોડા કોઈ સગા હોય ? આજે અચાનક આ શેનો કાગળ આવ્યો? હું કે તારા પપ્પા કંઈ ભણ્યા નથી એટલે વાંચતા પણ આવડતું નથી તું જ કાગળ વાંચી સંભળાવ.”

દીકરાએ cover ખોલીને કાગળ બહાર કાઢ્યો. કાગળ વાંચતાની સાથે દીકરો જોરથી આંસુએ રડી પડ્યો. એની મમ્મી પણ હેબતાઈ ગઈ અને એટલું જ બોલી શકી કે ‘ બેટા, શું થયું ? કાગળમાં શું લખ્યું છે  ?” છોકરાએ રડતા રડતા કહ્યું,” મમ્મી આ એક બહુ મોટા બિઝનૅસમૅનો કાગળ છે. પપ્પાનો Thank you માનતો પત્ર છે. મમ્મી, પપ્પા મુંબઇ ગયા જ નોતા. અહીંયા હોસ્પિટલમાં હતા અને એ જે પૈસા લાવ્યા એ એના મિત્ર પાસેથી નહિ, ઉદ્યોગપતિ પાસેથી લાવ્યા છે. પપ્પાએ ઉદ્યોગપતિને એક કિડની દાનમાં આપી દીધી છે અને બદલામાં ઉદ્યોગપતિએ મારા અભ્યાસનો ખર્ચ ઉપડાવાનું પપ્પાને પ્રોમિસ આપ્યું છે.”

મિત્રો, દીકરા હોય કે દીકરી માટે એના પિતા હંમેશા બહુ મોટું બલિદાન આપતા હોય છે અને ઘણી વાર એવું હોય કે સંતાનને પિતા એની ખબર પણ પડવા દેતા નથી. પિતા એની કિડની ભલે ના વેંચતા હોય પણ જમીન, મકાન કે ઘરેણાં વેંચીને પણ દીકરા-દીકરીને ભણાવતા હોય છે. પોતે ભલે મુફલિસ થઈ જાય પણ સંતાન સુખી અને મહાન બને એ માટે જાત હોમી દેતા હોય છે.જો…જો…મિત્રો, જલ્સા કરવામાં પિતાનું સમર્પણ અને સપના એળે ના જાય.

શૈલેશ સગપરીયા

thegujjurocks.in